દાદા દાદીનો ઓટલો
વિભકત કુટુમ્બની વધતી જતી સંખ્યાને પરિણામે આજની સામાજિક સ્થિતિ બાળકો અને દાદ-દાદીઓ માટે વિપરીત છે. દાદા-દાદીના સાનિધ્યમાં બાળકની જે સહજ કેળવણી થાય છે, તેનાથી આજનો બાળક વંચિત છે. આ પ્રકલ્પમાં દાદા-દાદી દ્વારા વાર્તાઓ અને ગીતો વડે બાળકોના વિસ્મયલોકને વિસ્તારવામાં આવે છે. ગમ્મત સાથે જ્ઞાન પીરસવામાં આવે છે. બાળકોને દાદા-દાદીનો નૈસર્ગિક અનુભવ થાય અને ભાષા-સાહિત્યની નૈસર્ગિક અભિવ્યક્તિ એ કરી શકે, એવો આશય આ પ્રકલ્પમાં રહ્યો છે.
આજની યાંત્રીક અને ટેકનોલોજી આધારીત જીવનશૈલીના જમાનામાં આપણાં બાળકોનું સહજ ઘડતર થાય એ જરૂરી છે. તેને સાચા હુંફ અને મમતાની જરૂર છે. સાથે સાથે એ ભારતીય પરમ્પરા અને એના વારસાથી સહજ વાકેફ થતો રહે તે પણ એટલું જ મહત્વનું છે. એની આનંદપૂર્વક કેળવણી થતી રહે તે માટે દાદા-દાદીઓ પાસે રહેલો અનુભવોનો ખજાનો તથા તેમનાં નિર્વ્યાજ સ્નેહના આંદોલનો બાળકો સુધી પહોંચે તે અનિવાર્ય છે. આ માટે માતૃભાષા અભિયાન એના એક વિશિષ્ટ પ્રકલ્પ “ દાદા-દાદીનો ઓટલો” દ્વારા કાર્યરત છે. જેમાં બાળકોના વિસ્મયને વાર્તાઓ અને ગીતો વડે વિસ્તારવામાં આવે છે તથા ગમ્મત સાથે જ્ઞાન પીરસવામાં આવે છે. બાળકોને દાદા-દાદીનો નૈસર્ગિક અનુભવ થાય એવો આશય આ પ્રકલ્પમાં છે.
વાલીનો ચોતરો :
આજે વધુને વધુ કુટુંબો વિભકત થતાં જાય છે. મા-બાપ વધુને વધુ વ્યસ્ત થતાં જાય છે. આજના યુવા મા-બાપને મુંઝવતાં અનેક પ્રશ્નો છે. બાળકોનો યોગ્ય ઉછેર કેમ કરવો ? પારિવારિક સમસ્યાઓની બાળકો પર નકારાત્મક અસર કેમ ના પડે? આજની શિક્ષણ પદ્ધતિના પ્રશ્નો , બાળકોના અભ્યાસ અંગે મુંઝવતા પ્રશ્નો, વગેરે અનેક સમસ્યાઓથી એ ઘેરાયેલો છે. “વાલીના ચોતરા”માં આને માટેની ચર્ચા-વિચારણા અને વિચારોની આપ-લે થાય છે. વાલીઓ મુકતમને આ અંગે ચર્ચાઓ કરી પોતાના કુટુમ્બનું શ્રેય પોતે જ આણે એ આ પ્રકલ્પનું વિશેષ પાસુ છે.
“વાંચે બાળ”” બાળકો માટે ‘પુસ્તક-પરબ’ :
બાળક પોતાને મનપસંદ પુસ્તક વાંચે તો એને વાંચવાની સુટેવ પડે છે. એ થકી બાળકોમાં વાંચનની ટેવ વિકસે, પુસ્તકો પ્રત્યે રસ અને રુચી કેળવાય અને ઉત્તમ બાળસાહિત્ય બાળકો સુધી પહોચે તે આ પ્રકલ્પમાં પ્રયાસ છે.
આપણે જોઈએ છીએ કે આજે બાળકોને આપણા સમાજના જૂના સંસ્કારો અને સંસ્કૃતિનું સંર્વધન કરવામાં અગત્યનો ફાળો આપનાર આપણા દાદા-દાદી છે. જેમની પાસેથી કહેવતો, બાળવાર્તાઓ, લોકગીતો, કાવ્ય પઠન, ચિત્રકલા, સંગીત, નૃત્ય વગેરે બાળકોને મળે આ આશય સાથે માતૃભાષા અભિયાન સંસ્થાએ કાર્ય હાથ ધર્યું છે.
બાળકોને જે જ્ઞાન પુસ્તકોમાંથી પણ મળતું નથી તે જ્ઞાન બાળકોને દાદા-દાદીઓ પાસેથી મળતું થાય. જો આવી પ્રવૃતિ થાય તો ગુજરાતી ભાષાના સંર્વધન માટેનું આ એક ઉત્તમ કાર્ય થઈ શકે. આ પ્રવૃતિથી આજની પેઢીને દાદા-દાદીઓ પાસેથી બીજી પેઢીને ભાથું આપવાનું કાર્ય શક્ય બનશે.
દાદા-દાદીનો ઓટલો – ઉદ્દેશ
- ગુજરાતની જૂની સંસ્કૃતિ અને ગુજરાતી ભાષાનું સંર્વધન શક્ય બનશે.
- દાદા-દાદીઓ પાસે ભારતીય સંસ્કૃતિનું ભાથું (કહેવતો, બાળવાર્તાઓ, લોકગીતો, કાવ્ય પઠન, ચિત્રકલા, સંગીત, નૃત્ય વગેરે) છે. તે બાળકોને આપવું.
- કૉલેજના યુવાનો જે ભવિષ્યમાં મા-બાપ બનવાના છે તેમને આ પ્રવૃતિમાં સામેલ કરવા.